About Me

રેકોર્ડબ્રેક રિઝલ્ટ:ધો.12 સામાન્ય પ્રવાહના 86.91 ટકા પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ 5% વધુ

રેકોર્ડબ્રેક રિઝલ્ટ:ધો.12 સામાન્ય પ્રવાહના 86.91 ટકા પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ 5% વધુ


વર્ષ 2010માં 85.91 ટકા પરિણામ આવ્યું હતું, માર્ચ 2017માં સૌથી ઓછું 54.62 ટકા પરિણામ નોંધાયું હતું

સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ


ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.


જોકે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યારસુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.


1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું


આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે, જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.


જુઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સંપૂર્ણ પરિણામ


ક્રિશા શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારે 87.77 ટકા આવ્યા છે. કોરોના હતો છતાં અમે મહેનત કરી હતી. ધાર્યા કરતાં ઓછું પરિણામ છે, પરંતુ હું પરિણામથી ખુશ છું. હવે આગળ હું MBA કરીશ. આશા પંડ્યા નામની 12 કોમર્સની શિક્ષિકાએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા સરળ રહી હતી. પરિણામ પણ અગાઉ કરતાં ખૂબ જ સારું આવ્યું છે. પરિણામથી અમને અને વિદ્યાર્થીઓને સંતોષ છે. પાર્શ્વ શાહ નામનો વિદ્યાર્થીને સ્ટેટમાં 100, એકાઉન્ટમાં 96, અર્થશાસ્ત્ર 96, વાણિજ્યમાં 98 માર્ક્સ આવ્યા છે. હવે આગળ આઇટી ફિલ્ડમાં જઈને કરિયર બનાવવું છે.


અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ


અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.


રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ


રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા રિઝલ્ટ છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતાં શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થી, B2માં 4876 વિદ્યાર્થી, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થી, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થી, D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થી અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.


સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ


સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતાં વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે, જેમાં અમને સારી એવી સફળતા મળી છે, તેથી અમે આ પરિણામને વધાવતાં ગરબા કર્યા છે


વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ


વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ